You are on page 1of 13

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વૉર્મિંગ) : તાજેતરના દસકાઓમાં પૃથ્વીના વાતાવરણ તથા સમુદ્રના

સરેરાશ તાપમાનમાં થયેલો વધારો.

વીસમી સદીમાં પૃથ્વીની નજીકના વાતાવરણના સરેરાશ તાપમાનમાં 0.6 0.2° સે.નો વધારો થયો
છે. આબોહવાના પરિવર્તન અંગેના પ્રવર્તમાન વૈજ્ઞાનિક અભિપ્રાય પ્રમાણે ‘છેલ્લાં 50 વર્ષમાં
થયેલા મોટા ભાગના તાપમાનના વધારા માટે માનવપ્રેરિત પ્રવૃત્તિઓ કારણભૂત છે’.

તાપમાનમાં થયેલી વૃદ્ધિના માનવપ્રેરિત ઘટક માટે મુખ્યત્વે કાર્બન ડાયૉક્સાઇડ અને અન્ય
ગ્રીનહાઉસ વાયુનો વધારો કારણભૂત છે. જીવાશ્મી ઈંધણ(fossil fuels)નું દહન, ભૂમિ ચોખ્ખી–
વૃક્ષવિહીન કરવાની કામગીરી (વનચ્છેદન – deforestation) તથા કૃષિ માટે વનોનો નાશ; ઉદ્યોગો,
ઑટોવાહનો તેમજ વસ્તીમાં વધારો વગેરે દ્વારા ગ્રીનહાઉસ-ઇફેક્ટ પ્રબળ બને છે.

ગ્રીનહાઉસ-ઇફેક્ટની શોધ જૉસેફ ફુરિયરે 1824 માં કરી હતી અને તેનું સંખ્યાકીય સંશોધન 1896 માં
સ્વાન્ત આર્હેનિયસે કર્યું હતું. આ પ્રક્રિયામાં પૃથ્વી દ્વારા ઉત્સર્જિત પારરક્ત (infrared) વિકિરણનું
શોષણ અને પુન: ઉત્સર્જન વાતાવરણના કેટલાક વાયુઓ દ્વારા થવાને કારણે પૃથ્વીની સપાટી અને
નીચલા સ્તરનું વાતાવરણ ગરમ રહે છે. આ પ્રકારના વાયુ ‘ગ્રીનહાઉસ વાયુ’ કહેવાય છે.
ગ્રીનહાઉસ-ઇફેક્ટના અસ્તિત્વ અંગે કોઈ મતભેદ નથી. પૃથ્વીના વાતાવરણમાં પ્રાકૃતિક રીતે
અસ્તિત્વ ધરાવતા ગ્રીનહાઉસ વાયુને લીધે પૃથ્વીનું તાપમાન જીવન માટે અનુકૂળ રહે છે; એ વાયુ
ન હોત તો પૃથ્વી વસવાટ માટે અયોગ્ય હોત, કારણ કે પૃથ્વીનું તાપમાન રાત્રે ઘણું નીચું હોત અને
દિવસે ખૂબ ઊંચું હોત. પૃથ્વીના વાતાવરણમાં મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે – જળબાષ્પ (water
vapour), કાર્બન ડાયૉક્સાઇડ (CO2), મિથેન (CH4) અને ઓઝોન (O3). આ બધા વાયુની
ગ્રીનહાઉસ-ઇફેક્ટ નીચે પ્રમાણે છે :

જળબાષ્પ (36–70 %), કાર્બન ડાયૉક્સાઇડ (9–26 %), મિથેન (4–9 %), ઓઝોન (3–7 %) અને
નાઇટ્રસ ઑક્સાઇડ. સવાલ એ છે કે માનવપ્રેરિત પ્રવૃત્તિઓથી આ ગ્રીનહાસ વાયુઓનું પ્રમાણ વધે
તો કુલ ગ્રીનહાઉસ-ઇફેક્ટ કેટલી વધે ?

ગ્રીનહાઉસ વાયુનો વધારો તથા માનવસર્જિત અને પ્રાકૃતિક પરિબળોની આબોહવા ઉપર કેટલી
અસર થાય તે ઉપરથી climate sensitivity (આબોહવા-સંવેદનશીલતા) નક્કી કરવામાં આવે છે; જે
પ્રાયોગિક અવલોકનો અને climate models ના ઉપયોગથી શોધવામાં આવે છે. સામાન્ય રીતે,
સંવેદનશીલતા કાર્બન ડાયૉક્સાઇડ(CO2)નું પ્રમાણ બમણું થાય તો તાપમાન ઉપર કેટલી અસર
થાય તે દ્વારા દર્શાવવામાં આવે છે. હાલના અંદાજ પ્રમાણે સંવેદનશીલતાનો ગાળો 1.5–4.5° સે. છે.
ઇન્ટર-ગવર્ન્મેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) જે પદ્ધતિ(model)નો ઉપયોગ કરે છે તેની
દ્વારા 1990 થી 2100 દરમિયાન વૈશ્વિક (global) તાપમાન 1.4°–5.8° સે. વધવાનો અંદાજ છે.
તાપમાનના ગાળામાં જે અનિશ્ચિતતા છે તે ભવિષ્યમાં ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનના પ્રમાણની
આગાહી કરવાની મુશ્કેલી તથા આબોહવા અંગેની સંવેદનશીલતાની અનિશ્ચિતતાને કારણે છે.

વૈશ્વિક તાપમાનના વધારાથી નીચે જણાવેલાં પરિવર્તનો થવાની સંભાવના છે :

– સમુદ્રની સપાટી ઊંચી આવશે.

– વરસાદનું પ્રમાણ તથા તેની સાધારણ નિયમિતતા (pattern) ઉપર અસર થશે.

– આ પરિવર્તનોને લીધે હવામાનની અત્યધિક ઘટનાઓ-(extreme weather events)ની સંખ્યા અને


તીવ્રતા વધશે; દા.ત., પૂર, અનાવૃષ્ટિ, ગરમીનાં મોજાં, વાવાઝોડાં (hurricanes) અને વંટોળ
(tornados).

અન્ય અસરોમાં :

– કૃષિ-ઉત્પાદનમાં વધારો કે ઘટાડો.

– હિમનદી(glaciers)નું સંકોચન.

– ઉનાળા દરમિયાન નદીઓમાં પાણીની આવકમાં ઘટાડો તથા

– જીવસૃષ્ટિની કેટલીક જાતિઓ (species) લુપ્ત થાય.

તાપમાનના વધારાને લીધે આવી ઘટનાઓની સંખ્યા અને તીવ્રતા વધે; જોકે અમુક ખાસ
ઘટનાઓને ગ્લોબલ વૉર્મિંગ સાથે સાંકળવાનું મુશ્કેલ છે. મોટા ભાગનો અભ્યાસ ઈ. સ. 2100 ના
અંત સુધીના સમયગાળાનો છે; પરંતુ તાપમાન વધવાની પ્રક્રિયા (તથા તાપમાનીય વિસ્તરણ
thermal expansion થી સમુદ્રની સપાટી ઊંચી આવવાની ઘટના) ઈ. સ. 2100 પછી પણ ચાલુ
રહેશે, કારણ કે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુનું સરેરાશ આયુષ્ય ઘણું લાંબું હોય છે.
તાપમાનમાં થયેલા તાજેતરના વધારા માટે ફક્ત અલ્પ સંખ્યામાં કેટલાક વિજ્ઞાનીઓ
માનવપ્રેરિત પ્રવૃત્તિઓને કારણભૂત નથી માનતા. અલબત્ત, ભવિષ્યમાં આબોહવામાં કેટલું
પરિવર્તન થશે તે અંગેની અનિશ્ચિતતા ઘણી વધારે છે અને તેથી ભવિષ્યમાં તાપમાનને વધતું
રોકવા અથવા ઓછું કરવા માટે શું કરવું જોઈએ તથા સંભવિત અસરોનો સામનો કેવી રીતે કરવો
તે વિશે રાજકીય સ્તરે તથા જનસમાજમાં ઘણો વિવાદ ચાલે છે.

‘આબોહવાનું પરિવર્તન’ – એ એક સામાન્ય શબ્દપ્રયોગ છે, જ્યારે ‘ગ્લોબલ વૉર્મિંગ’ વિશિષ્ટ


શબ્દપ્રયોગ છે. એ જ રીતે ‘ગ્લોબલ કુલિંગ (cooling) હિમયુગ માટે વપરાતો શબ્દપ્રયોગ છે; પરંતુ
‘ગ્લોબલ વૉર્મિંગ’ શબ્દપ્રયોગ સામાન્ય રીતે માનવસર્જિત અસર માટે વપરાય છે. એ જ રીતે
‘આબોહવાનું પરિવર્તન’ (climate change) શબ્દપ્રયોગ માનવપ્રેરિત અસર માટે છે, જ્યારે
‘આબોહવાની પરવર્તનીયતા’ (climate variability) શબ્દપ્રયોગ અન્ય પરિવર્તનો માટે વપરાય
છે.

પૃથ્વીના તાપમાનનો વધારો – કેટલાક ઐતિહાસિક આંકડા (Historical Warming of the Earth) :
ઉપકરણો દ્વારા મેળવેલા આંકડા અનુસાર ઈ. સ. 1860 થી 1900 સુધીના સમયગાળા દરમિયાન
ભૂમિ અને સમુદ્રનું વૈશ્વિક તાપમાન 0.75° સે. જેટલું વધ્યું હતું. ઈ. સ. 1979 પછી કૃત્રિમ ઉપગ્રહો
દ્વારા મેળવેલા તાપમાનના આંકડા અનુસાર સમુદ્રના તાપમાન કરતાં ભૂમિનું તાપમાન બેગણું
વધ્યું છે. (ભૂમિનું તાપમાન 0.25° સે./દશ વર્ષ અને સમુદ્રનું તાપમાન 0.13° સે./દશ વર્ષ) ઉપગ્રહો
દ્વારા 1979 પછી મેળવેલા આંકડા અનુસાર નિમ્ન સ્તરના વાતાવરણનું તાપમાન 0.22° સે./દશ
વર્ષના દરે વધ્યું છે. ઈ. સ. 1850 પહેલાંના એક કે બે હજાર વર્ષો દરમિયાન પૃથ્વીનું તાપમાન
લગભગ એકસરખું રહ્યું હતું. અપવાદ તરીકે, અમુક પ્રદેશોના તાપમાનમાં થોડાં પરિવર્તનો થયાં
હતાં. દા. ત., મધ્યકાલીન ગરમ સમયગાળો (medieval warm period) અથવા લઘુ હિમયુગ (little
ice age).

‘નાસા’ સંસ્થાના ગૉડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ સ્ટડીઝના અભ્યાસ અનુસાર ઈ. સ. 1800 ના અંતમાં,
જ્યારથી વિશ્વસનીય અને વિશાળ વિસ્તારોના ઉપકરણ-આધારિત તાપમાનના આંકડા મળવા શરૂ
થયા ત્યારથી ઈ. સ. 2005 નું વર્ષ સૌથી ગરમ હતું. એ પહેલાં ઈ. સ. 1998 નું તાપમાન પણ થોડું
ગરમ હતું. આ ઉપરાંત, અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં પણ 2005 નું વર્ષ 1998
પછીનું સૌથી વધારે ગરમ વર્ષ હતું.
કારણો : આબોહવા-તંત્ર (climate system) ઉપર પ્રાકૃતિક, આંતરિક પ્રક્રિયાઓ તથા બાહ્ય
પરિબળોનાં પરિવર્તનો અસર કરે છે. બાહ્ય પરિબળોમાં માનવપ્રેરિત તથા અન્ય પ્રક્રિયાઓ સૌર-
સક્રિયતા, જ્વાળામુખી-વિસ્ફોટ તથા ગ્રીનહાઉસ વાયુઓનો સમાવેશ થાય છે. આબોહવા-નિષ્ણાતો
પૃથ્વીનું તાપમાન વધ્યું હોવા બાબતે સર્વસંમત છે. આ પરિવર્તનોનાં કારણોની વિગતો અંગે
સંશોધન ચાલે છે; પરંતુ વિજ્ઞાનીઓનો સર્વાનુમતે અભિપ્રાય છે કે ગ્રીનહાઉસ વાયુ તાપમાનની
વૃદ્ધિ માટે મુખ્ય કારણ છે. જોકે વિજ્ઞાનીઓના સમુદાયની બહારના લોકો માટે આ કારણો
વિવાદાસ્પદ છે.

ઔદ્યોગિક યુગની શરૂઆત થઈ તે પછી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુનું પ્રમાણ 31 %


જેટલું વધ્યું છે અને મિથેનનું પ્રમાણ 149 % વધ્યું છે, જે છેલ્લાં 6,50,000 (સાડા છ લાખ) વર્ષો
કરતાં ઘણું વધારે છે. એ સમયગાળા માટે હિમગર્ભ (ice cores) દ્વારા વિશ્વસનીય આંકડા
મેળવવામાં આવ્યા છે.

પરોક્ષ પ્રકારના ભૂ-સ્તરીય પુરાવા દ્વારા જાણવા મળ્યું છે કે ચાર કરોડ વર્ષ પહેલાં પૃથ્વીના
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુનું પ્રમાણ આટલું હતું. છેલ્લાં વીસ વર્ષો દરમિયાન
માનવપ્રેરિત પ્રવૃત્તિઓ દ્વારા થયેલી કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનની વૃદ્ધિના H ભાગ માટે
જીવાશ્મી ઈંધણનું દહન જવાબદાર છે અને બાકીના 3 ભાગ માટે મુખ્યત્વે ભૂમિ-ઉપયોગનાં
પરિવર્તનો (land use changes) – ખાસ કરીને વનચ્છેદન (deforestation) જવાબદાર છે.

ઉપકરણોની મદદથી વાતાવરણના કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ માપવાનું કાર્ય હવાઈ ટાપુના
Mona Loa પર્વતની ટોચ ઉપર ઈ. સ. 1958 થી શરૂ કરવામાં આવ્યું હતું. એ પ્રયોગના પરિણામ
દ્વારા જાણવા મળ્યું છે કે કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણમાં સમય સાથે એકધારો વધારો થાય છે,
પણ તેમાં વાર્ષિક વધઘટ પણ જોવા મળે છે. ઉત્તર ગોળાર્ધના ઉનાળા દરમિયાન કાર્બન
ડાયૉક્સાઇડનું પ્રમાણ લઘુતમ હોય છે અને શિયાળા દરમિયાન મહત્તમ હોય છે. આ પરિણામ
બતાવે છે કે ઉનાળામાં ઉત્તર ગોળાર્ધનાં જંગલોનાં વૃક્ષો તેમના વૃદ્ધિકાળ દરમિયાન પ્રકાશ-
સંશ્લેષણ (photosynthesis) દ્વારા કાર્બન ડાયૉક્સાઇડનું મોટા પ્રમાણમાં શોષણ કરે છે એટલે
ઉનાળામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ લઘુતમ હોય છે. આનાથી ઊલટું, શિયાળામાં પાંદડાં ખરી
પડે છે અને તેથી પ્રકાશ-સંશ્લેષણ થતું નથી અને વૃક્ષોની વૃદ્ધિ થતી નથી. આથી શિયાળા
દરમિયાન વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ અન્ય સ્રોતો (જીવાશ્મી ઈંધણના દહન) દ્વારા
થતા ઉમેરાથી મહત્તમ થાય છે.
ઉપર્યુક્ત પ્રયોગની શરૂઆતમાં કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણનો આંકડો 315 ppmv (parts per
million volume) હતો. તેમાં 21 %નો વધારો થયો છે અને 2006 માં એ આંકડો 380–385 ppmv
પહોંચ્યો હતો.

મિથેન પ્રાકૃતિક વાયુનો મુખ્ય ઘટક છે, જે જૈવિક પ્રક્રિયા દ્વારા તથા પ્રાકૃતિક વાયુની
પાઇપલાઇનમાંથી ગળતર થવાથી વાતાવરણમાં દાખલ થાય છે. કેટલાંક જૈવિક ઉત્પત્તિસ્થાન
પ્રાકૃતિક હોય છે; દા. ત., ઊધઈ તથા પાલતુ અને દુ ધાળાં પશુઓ. પરંતુ અન્ય ઉત્પત્તિસ્થાનો કૃષિ-
પ્રવૃત્તિઓ (ચોખા/ડાંગરની ખેતી) દ્વારા ઉત્પન્ન થાય છે અથવા વધે છે.

તાજેતરમાં પ્રાપ્ત પુરાવા પ્રમાણે વન-જંગલો પણ મિથેનનું ઉત્પત્તિસ્થાન છે અને તેથી તે પ્રાકૃતિક
ગ્રીનહાઉસ-ઇફેક્ટમાં વધારો કરે છે; પરંતુ માનવસર્જિત ગ્રીનહાઉસ-ઇફેક્ટમાં વધારો નથી કરતાં.

ખનિજ બળતણના ચાલુ વપરાશથી ભવિષ્યમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધતું રહેશે એવો
અંદાજ છે; પરંતુ કેટલા દરથી તેનો વધારો થશે તે અનિશ્ચિત આર્થિક, સામાજિક તથા
ટૅકનૉલૉજિકલ વિકાસ અને કુદરતી ઘટનાઓ ઉપર આધારિત છે. IPCC ના Special Report on
Emission Scenario ના અંદાજ પ્રમાણે ભવિષ્યમાં ઈ. સ. 2100 સુધીમાં કાર્બન ડાયૉક્સાઇડનું
પ્રમાણ 541 થી 971 ppmv જેટલું થશે.

વૈશ્વિક દૃષ્ટિએ માનવપ્રેરિત ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન મુખ્યત્વે જીવાશ્મી ઈંધણના દહન દ્વારા
થાય છે. બાકીના ઉત્સર્જનમાં બળતણના ઉત્પાદન અને હેરફેર દરમિયાન વપરાતું બળતણ,
ઔદ્યોગિક પ્રક્રિયાઓ દરમિયાન થતું ઉત્સર્જન તથા કૃષિ-વ્યવસાય દ્વારા થતા ઉત્સર્જનનો સમાવેશ
થાય છે. આ બધા માટેનો અંદાજ અનુક્રમે આ પ્રમાણે છે : 5.8 %, 5.2 % અને 3.3 %. તાજેતરના
આંકડા પણ લગભગ આવા જ છે. લગભગ 17 % ઉત્સર્જન વિદ્યુતઊર્જાના ઉત્પાદન માટે વપરાતા
બળતણના દહન દ્વારા થતું હોય છે. થોડું ઉત્સર્જન પ્રાકૃતિક અને માનવપ્રેરિત જૈવિક
ઉત્પત્તિસ્થાનોમાં થતું હોય છે. કૃષિ-આધારિત મિથેન અને નાઇટ્રસ ઑક્સાઇડનું ઉત્સર્જન લગભગ
6.3 % હોય છે.

સકારાત્મક પ્રતિપુષ્ટિ અસર(positive feedback effect)માં સાઇબીરિયાના Permafrost (જુઓ)


પીગળવાને કારણે લગભગ 70,000 મિલિયન (70 અબજ) ટન જેટલો મિથેન વાયુનો જથ્થો
ઉત્સર્જિત થશે તેવો ભય છે અને તેથી વધારાના ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન થશે. અહીં એ નોંધ
લેવી જોઈએ કે માનવપ્રેરિત ઉત્સર્જિત અન્ય પ્રદૂષણમાં, ખાસ કરીને સલ્ફેટના રજકણોને લીધે
વાતાવરણ ઠંડું થાય છે. વીસમી સદીના મધ્ય ભાગમાં મેળવેલા તાપમાનના આંકડા દ્વારા આ
પ્રકારની અસર દેખાય છે. જોકે એ અસર અન્ય પ્રાકૃતિક કારણોને લીધે પણ થઈ હોય.

વૈકલ્પિક સિદ્ધાંતો : વૈશ્વિક તાપમાનની વૃદ્ધિ માટે નીચેના જુદા જુદા વૈકલ્પિક સિદ્ધાંતો વિચારવામાં
આવ્યા છે :

– તાપમાનની વૃદ્ધિ પ્રાકૃતિક પરિવર્તનોની મર્યાદામાં છે. (within the range of natural variations)

– પહેલાંના ઠંડા સમયગાળા(little ice age)માંથી બહાર નીકળવાને લીધે તાપમાનની વૃદ્ધિ થઈ
હોય.

– મુખ્યત્વે સૌર ઊર્જાના પરિવર્તનને લીધે તાપમાનમાં વૃદ્ધિ થઈ હોય.

જોકે વૈશ્વિક તાપમાનની વૃદ્ધિ માટે માનવપ્રેરિત પ્રવૃત્તિઓ જવાબદાર છે એ અંગે વૈજ્ઞાનિક
અનુમોદન એટલું સબળ છે કે અન્ય કોઈ વૈકલ્પિક અભિપ્રાય માટે સમર્થન પ્રાપ્ત નથી. વૈશ્વિક
તાપમાનની વૃદ્ધિના વિષય ઉપરના 928 વૈજ્ઞાનિક સંશોધન-લેખોના અભ્યાસ ઉપરથી પુરવાર થઈ
શક્યું છે કે માનવપ્રેરિત પ્રવૃત્તિઓથી થતું ઉત્સર્જન વૈશ્વિક તાપમાનની વૃદ્ધિ માટે જવાબદાર છે.

‘સૌર પરિવર્તન’ સિદ્ધાંત : આ અંગેના અભ્યાસ ઉપરથી પુરવાર થાય છે કે છેલ્લાં 40–50 વર્ષોમાં
થયેલી વૈશ્વિક તાપમાનની વૃદ્ધિ માટે સૌર ઊર્જાનું પરિવર્તન જવાબદાર નથી. આ અભ્યાસ દ્વારા
પુરવાર થયું છે કે 1950 પહેલાં થયેલાં તાપમાનનાં પરિવર્તનો માટે આંશિક રીતે સૌર વિકિરણ
(ઊર્જા) તથા જ્વાળામુખી-વિસ્ફોટ જવાબદાર હોઈ શકે; પરંતુ ત્યાર બાદનાં પરિવર્તન માટે
ઉપર્યુક્ત બંને પરિબળો દ્વારા થતી કુલ અસર લગભગ શૂન્ય છે. બીજા એક અભ્યાસ દ્વારા સાબિત
થયું છે કે ઈ. સ. 1750 પછી ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનની અંદાજે અસર સૌર સક્રિયતાની અસર
કરતાં આઠગણી વધારે હતી. આ અંગેના વધુ અભ્યાસ દ્વારા મળે લાં બધાં પરિણામો એકબીજાંથી
ભિન્ન પ્રકારનાં છે. જોકે સર્વસંમત અભિપ્રાય એ છે કે સૌર સક્રિયતાનાં પરિવર્તનો કરતાં ગ્રીનહાઉસ
વાયુની અસર વધારે પ્રબળ હોઈ શકે.

અસરોની આગાહી : વૈશ્વિક તાપમાનની વૃદ્ધિ દ્વારા થનારી સંભવિત અસરો વિશે આગાહી કરવામાં
આવી છે. આ અસરો વિવિધ પ્રકારની છે, જે પર્યાવરણ અને માનવજીવનને પ્રભાવિત કરી શકે
તેવી છે. આ અસરોમાં સમુદ્રની સપાટીમાં વધારો, કૃષિ ઉપર અસર ઓઝોન-સ્તરમાં ઘટાડો,
હવામાનની અત્યધિક ઘટનાઓની સંખ્યા અને તીવ્રતાજોરમાં વધારો તથા રોગનો ફેલાવો
વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં આ અસર ક્યારની દેખાતી હશે, પરંતુ અમુક ખાસ
કુદરતી ઘટનાઓને લાંબા ગાળાના ગ્લોબલ વૉર્મિંગ સાથે સાંકળવી મુશ્કેલ છે; દા. ત., ગ્લોબલ
વૉર્મિંગ અને હરિકેન વચ્ચેનો સંબંધ હજુ વિવાદાસ્પદ છે.

પારિસરિક તંત્ર ઉપર અસર : ગ્લોબલ વૉર્મિગને લીધે પેદા થતી કેટલીક અસરો : હિમાચ્છાદનમાં
ઘટાડો, સમુદ્રની સપાટીની ઊંચાઈમાં વધારો, હવામાનનાં પરિવર્તનોને કારણે માનવીનું જીવન
તથા પારિસરિક તંત્ર પ્રભાવિત થશે. વૈશ્વિક તાપમાન વધવાથી પારિસરિક તંત્રમાં પરિવર્તન થાય,
જેથી કેટલીક જાતિને તેના રહેઠાણની બહાર જવું પડે અથવા પરિસ્થિતિના પરિવર્તનને કારણે તે
જાતિ લુપ્ત થાય અને અન્ય જાતિ વિકાસ પામે.

સમુદ્રના સૌથી ઉપરના 100 મીટર ઊંડાઈના સ્તરમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ
ઓગળવાથી પાણીનો pH આંક નીચો જાય, અર્થાત્ એ પાણી વધારે અમ્લતાવાળું (acidic) થાય.
આ સાથે સમુદ્રનું તાપમાન વધવાથી પરવાળાના ખડક (coral reefs) ઉપર સીધી ખરાબ અસર
થાય.

બીજી એક ઘટના અંગે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે, જેનાથી તાપમાનની વૃદ્ધિમાં પણ ઘણો મોટો
વધારો થઈ શકે છે; કારણ કે ટુન્ડ્રા પ્રદેશનો પર્માફ્રોસ્ટ પીગળવાને લીધે બરફમાં કેદ થયેલો મિથેન
વાયુ પ્રચુર પ્રમાણમાં મુક્ત થશે, જે એક શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુ છે.

હિમનદી (glaciers) ઉપર પ્રભાવ : ગ્લોબલ વૉર્મિંગને કારણે દુ નિયાભરની હિમનદી સંકોચાવા
લાગી છે. હિમનદીના વિગતવાર અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે 1900 થી 1980 દરમિયાન 144
હિમનદીમાંથી 142 હિમનદીનો વિસ્તાર નાનો થઈ ગયો છે. 1980 પછી દુ નિયાભરની હિમનદી
વધારે ઝડપથી સંકોચાવા લાગી છે. 1960 થી 2002 દરમિયાન યુરોપની લગભગ બધી હિમનદી
સંકોચાઈ ગઈ હતી; જોકે એ જ સમયગાળા દરમિયાન સ્કૅન્ડિનેવિયાની હિમનદીનો વિસ્તાર વધ્યો
હતો. કેટલીક હિમનદી તદ્દન અદૃશ્ય થઈ ગઈ છે. તાપમાન વધવાને કારણે મોટા ભાગની
આલ્પાઇન હિમનદીમાં સંકોચાવાની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. 1995 પછી 90 %થી વધારે
હિમનદી સંકોચાઈ ગઈ છે.

હિંદુ કુશ અને હિમાલય-પ્રદેશની હિમનદી સંકોચાવા લાગી છે એ એક ખાસ ચિંતાનો વિષય છે,
કારણ કે એ હિમનદી ચીન, ભારત અને એશિયાના કેટલાક દેશો માટે વિશાળ અને વિશ્વસનીય જળ-
સ્રોત છે. ખાસ કરીને સૂકી ઋતુ દરમિયાન એ હિમનદી પાણીનો મહત્વનો સ્રોત છે. પીગળવાની
ઝડપ વધવાથી ઘણા દાયકા સુધી મોટાં પૂર આવશે, પણ ત્યાર બાદ એ હિમનદી તદ્દન સુકાઈ જશે
અને તેથી પૃથ્વી પરના ગીચ વસ્તી ધરાવતા દેશોમાં પાણીની તીવ્ર તંગી પેદા થશે.

સમુદ્રના પ્રવાહોમાં ભંગાણ (destabilization) : એવી પણ એક ધારણા છે કે ગ્લોબલ વૉર્મિંગને


કારણે સમુદ્રના ક્ષારયુક્ત ઉષ્ણપ્રવાહનું પરિભ્રમણ ધીમું પડી જાય અથવા તદ્દન અટકી જાય, જેને
લીધે ઉત્તર ઍટલૅન્ટિક સમુદ્રનો વિસ્તાર ઠંડો અથવા ઓછો ગરમ બને. જો આમ થાય તો ખાસ
કરીને ઉત્તર ઍટલૅન્ટિકના પ્રવાહ દ્વારા ગરમી મેળવતા સ્કૅન્ડિનેવિયા અને બ્રિટનના વિસ્તારો ઉપર
વિપરીત અસર થાય.

પર્યાવરણીય નિરાશ્રિતો (environmental refugees) : જો સમુદ્રની સપાટીમાં થોડો પણ વધારો થાય


તો ગીચ વસ્તી ધરાવતા સમુદ્રકિનારાના કેટલાક પ્રદેશો વસવાટ માટે અયોગ્ય બને અને તેથી
નિરાશ્રિતોની ગંભીર સમસ્યા ઊભી થાય. જો સમુદ્રની સપાટી ચાર મીટર કરતાં વધારે ઊંચી આવે
તો દુ નિયાના લગભગ બધા જ સમુદ્રકિનારાનાં શહેરો ઉપર ગંભીર અસર થાય અને તો
દુ નિયાભરના વેપાર અને અર્થતંત્ર ઉપર પણ વિપરીત અસર થાય.

IPCC ની હાલની આગાહી પ્રમાણે ઈ. સ. 2100 સુધીમાં સમુદ્રની સપાટી લગભગ એક મીટર ઊંચી
આવશે, પણ એ સાથે એમ પણ આગાહી કરવામાં આવી છે કે એ સમય દરમિયાન ગ્લોબલ
વૉર્મિંગને કારણે બરફ ઓગળવાથી સમુદ્રની સપાટી ઘણા મીટર ઊંચી આવશે અને હજારો વર્ષોમાં
વિયેતનામ, બાંગલાદેશ, ચીન, ભારત, થાઇલૅન્ડ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને ઇજિપ્તના કરોડો
લોકો મુશ્કેલીમાં મુકાશે.

પર્યાવરણીય નિરાશ્રિતો અંગેનું એક વિચિત્ર ઉદાહરણ એ છે કે દક્ષિણ પ્રશાંત મહાસાગરના એક


નાના ટાપુદેશ તુવાલુ(Tuvalu)ની જમીનની સરેરાશ ઊંચાઈ દરિયાની સપાટીથી ફક્ત એક મીટર
ઊંચી છે. સમુદ્રની સપાટીની ઊંચાઈ વધવાથી આ દેશને સહુથી મોટો ભય છે. એ દેશના
નિરાશ્રિતોને આશ્રય આપવા માટે ન્યૂઝીલૅન્ડની સરકાર સાથે ખાસ કરાર કરવામાં આવ્યો છે અને
ત્યાંના ઘણા લોકો પોતાનો દેશ છોડવા લાગ્યા છે.

રોગનો ફેલાવો : ગ્લોબલ વૉર્મિંગને કારણે ચેપી રોગ(દા. ત., મલેરિયા)નો ફેલાવો કરતા
જંતુઓ(vectors)નો ભૌગોલિક વિસ્તાર વધે તેવી સંભાવના છે; કારણ કે ગરમ વાતાવરણમાં આ
જંતુઓની પ્રજનન-ઝડપ વધતી હોય છે.
આર્થિક અસરો : ગ્લોબલ વૉર્મિંગને કારણે હરિકેન/વાવાઝોડા જેવી હવામાનની અત્યધિક
ઘટનાઓની સંખ્યા વધે તેવી સંભાવના હોવાથી આર્થિક વ્યવસાય કરતી કેટલીક વીમા
કંપનીઓના જણાવ્યા પ્રમાણે તેમના વ્યવસાયમાં મોટી ખોટ આવે તેવી ધારણા છે; ઉદાહરણ
તરીકે, વર્ષ 2005 દરમિયાન દુ નિયાભરમાં હવામાનની સંખ્યાબંધ તીવ્ર ઘટનાઓ બની હતી; આથી
એ વર્ષમાં આર્થિક ખોટ ઘણી મોટી રહી હતી.

જૈવિક દ્રવ્યનું ઉત્પાદન (biomass production) : વનસ્પતિ દ્વારા જૈવિક દ્રવ્યની ઉત્પત્તિ માટે પાણી,
પોષક તત્વ અને કાર્બન ડાયૉક્સાઇડની ઉપલબ્ધિ આવશ્યક છે. જૈવિક દ્રવ્યનો અમુક અંશ બધી
જીવસૃષ્ટિ માટે શક્તિનો સ્રોત હોય છે, જેમાં પાલતુ પશુ માટે ઘાસચારો, માનવી માટે ફળ તથા
અનાજ મુખ્ય આહાર હોય છે. આ ઉપરાંત, તેમાં બાંધકામ માટે ઉપયોગી ઇમારતી લાકડાનો પણ
સમાવેશ થાય છે.

વાતાવરણમાં કાર્બનડાયૉક્સાઇડનો વધારો થાય તો મોટા ભાગની વનસ્પતિમાં ચયાપચયની


ક્રિયા વધારે ઝડપથી થાય છે અને તેથી જૈવિક દ્રવ્યની ઉત્પત્તિમાં વધારો થાય છે. તાપમાનના
વધારાથી ઠંડા પ્રદેશોમાં વનસ્પતિનો વૃદ્ધિકાળ લંબાય છે. આથી એમ માનવામાં આવે છે કે આ
જાતની અસરથી પૃથ્વી ઉપરની લીલોતરીને ફાયદો થશે અને તેથી જૈવિક દ્રવ્યની વૃદ્ધિ થશે. જોકે
બીજાં કેટલાંક પરિબળોની અસર પણ ધ્યાનમાં લેવાની જરૂર હોય છે અને તેથી હજુ એ વાત
પૂરેપૂરી સ્પષ્ટ નથી કે ગ્લોબલ વૉર્મિંગથી વનસ્પતિને ખરેખર લાભ થશે કે નહિ. વનસ્પતિની વૃદ્ધિ
અન્ય પરિબળો જેવાં કે જમીનની ફળદ્રૂપતા, પાણી, તાપમાન અને કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણ
ઉપર પણ આધાર રાખે છે.

IPCC ની તાજેતરની ગણતરી ઉપરથી આગાહી કરવામાં આવી છે કે વનસ્પતિની


ઉત્પાદનક્ષમતામાં મધ્યમ સ્તરે વધારો થવાની સંભાવના છે; તેમ છતાં કેટલીક નકારાત્મક
(negative) અસરો પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. અમુક ઇષ્ટતમ (optimum) પ્રમાણથી વધારે
ઊંચા તાપમાનમાં ઉત્પાદનક્ષમતા ઘટે છે. તાપમાનનાં મોટાં પરિવર્તનથી ઘઉંની પેદાશ ઘટે છે.
અમુક પ્રયોગોમાં કાર્બન ડાયૉક્સાઇડ અને તાપમાનના વધારાથી અનાજના દાણા અને ઘાસચારો
ઘટે છે. આ ઉપરાંત, ઉનાળામાં જમીનનો ભેજ (soil moisture) ઘટવાથી પણ ઉત્પાદન ઉપર
નકારાત્મક અસર થાય છે.
ઉપગ્રહો દ્વારા મેળવેલા આંકડા બતાવે છે કે 1982–1991 દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં
ઉત્પાદનક્ષમતા વધી હતી; પરંતુ એ પછી 1991–2002 ના સમયગાળા દરમિયાન વ્યાપક
અનાવૃષ્ટિને કારણે ઉનાળાની ઋતુમાં ઉત્તર ગોળાર્ધના મધ્ય અને ઉચ્ચ અક્ષાંશોના પ્રદેશોમાં
પ્રકાશ-સંશ્લેષણમાં ઘટાડો થયો હતો.

ઉનાળામાં ઉત્તર–પશ્ચિમ માર્ગની ઉપલબ્ધતા (Opening of the Northwest Passage in Summer) :


આર્ક્ટિક સમુદ્રનો બરફ પીગળવાથી લગભગ દસ વર્ષમાં ઉત્તરથી પશ્ચિમ દિશા તરફનો દરિયાઈ
માર્ગ ખુલ્લો થાય તો યુરોપ અને એશિયા વચ્ચે જહાજોની અવરજવરમાં પાંચ હજાર નૉટિકલ
માઈલનો ઘટાડો થઈ શકે. આ શક્યતાનું મહત્વ એ છે કે ભારે માલવાહક જહાજ (super tankers)
એટલાં મોટાં હોય છે કે પનામાની નહેરમાંથી પસાર થઈ શકતાં નથી અને તેથી એ જહાજોને દક્ષિણ
અમેરિકાનો છેડો ઓળંગીને પશ્ચિમ દિશામાં જવું પડતું હોય છે.

કૅનેડિયન આઇસ સર્વિસના જણાવ્યા પ્રમાણે કૅનેડાના પૂર્વ વિસ્તારના આર્ક્ટિક સમુદ્રના
દ્વીપસમૂહોના બરફમાં 1969 થી 2004 દરમિયાન 15 %નો ઘટાડો થયો હતો. આ જ પ્રમાણે
સાઇબીરિયાના ઉત્તર દિશાના આર્ક્ટિક સમુદ્રનો બરફ પીગળવાથી પૂર્વ એશિયા અને યુરોપ
વચ્ચેનો દરિયાઈ વ્યવહાર ઝડપી બની શકે.

બરફ પીગળવાને કારણે ઉત્પન્ન થતી નકારાત્મક અસરોને લીધે ગ્લોબલ વૉર્મિંગની પ્રક્રિયા
વધવાની શક્યતા ઊભી થઈ શકે છે. આનું કારણ એ છે કે બરફનું આચ્છાદન સૂર્યપ્રકાશનું વધારે
પ્રમાણમાં પરાવર્તન કરે છે, પણ બરફ પીગળવાથી ખુલ્લું થયેલું સમુદ્રનું પાણી સૂર્યપ્રકાશનું વધારે
શોષણ કરે છે અને તેથી સમુદ્રનું પાણી ગરમ થાય છે.

ધ્રુવીય પ્રદેશોનો બરફ પીગળવાને કારણે કેટલીક પારિસરિક અસરો પણ થાય છે; દા. ત., ધ્રુવ
પ્રદેશનાં રીંછ (Polar bears) સમુદ્ર પર છવાયેલા બરફ ઉપર થઈને પોતાના શિકાર સુધી પહોંચે છે
અને જ્યારે બરફ પીગળીને તૂટી જાય છે ત્યારે સમુદ્રમાં તરીને બીજા બરફ ઉપર પહોંચે છે. વધારે
બરફ પીગળવાથી બરફના ટુકડાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે અને રીંછ વધારે લાંબું અંતર
તરી શકતાં ન હોવાથી ઘણાં રીંછ પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યાં છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે
પેદા થતી ખોરાકની અછતની પરિસ્થિતિને લીધે ધ્રુવીય રીંછોમાં સ્વજાતિ-માંસભક્ષિતા-
(cannibalistic)ની વર્તણૂક પણ જોવા મળે છે.
પ્રતિભાવ (response) : ગ્લોબલ વૉર્મિંગ અંગેના પુરાવા સ્પષ્ટ છે, તેમ છતાં કેટલાક લોકો દલીલ
કરે છે કે ટૂંકા અને લાંબા ગાળાની અસરો અતિશયોક્તિભરેલી છે. એક મહત્વનો વિવાદ એ છે કે
અત્યારના અંદાજ પ્રમાણે ગ્લોબલ વૉર્મિંગને કારણે પશ્ચિમની દુ નિયાની જીવન-પદ્ધતિ(life
style)માં પરિવર્તન આવશે કે કેમ ?

શક્યતા છે કે વૈશ્વિક તાપમાનની વૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થતો રહે. આવી શક્યતાથી પ્રેરાઈને
ગ્લોબલ વૉર્મિંગને ઘટાડવા માટે ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેમાં ગ્લોબલ વૉર્મિંગથી ઉત્પન્ન
થનારી નકારાત્મક (negative) અસરોને ઓછી કરવાના ઉપાયોનો સમાવેશ થાય છે. આ ઉપાયો
પાંચ પ્રકારના છે :

(1) ઊર્જાનો વપરાશ વિશેષ કાર્યક્ષમ બનાવવો અને વ્યય ઘટાડવો.

(2) કાર્બન-આધારિત ખનિજ-બળતણને સ્થાને વૈકલ્પિક ઊર્જા-સ્રોતનો ઉપયોગ કરવો.

(3) કાર્બન(ડાયૉક્સાઇડ)ને અલગ કરીને તેનો સંગ્રહ કરવો (carbon capture and storage).

(4) કાર્બન(ડાયૉક્સાઇડ)ને દાટી દેવો (carbon sequestration).

(5) યાંત્રિક રચના દ્વારા પૃથ્વીને ઠંડી કરવી (planetary engineering to cool the earth).

ગ્લોબલ વૉર્મિગને ઘટાડવા અંગેની વ્યૂહરચનામાં નવી ટૅકનૉલૉજીનો વિકાસ કરવાનું સૂચવવામાં
આવ્યું છે; જેમાં પવન ઊર્જા, ન્યૂક્લિયર ઊર્જા, સૌર ઊર્જા, renewable ઊર્જા, બાયૉ-ડીઝલ, વિદ્યુત
અથવા સંકર (hybrid) પ્રકારની કાર, ફલ્યુએલ સેલ, ઊર્જા-સંરક્ષણ, કાર્બન-ટૅક્સ, કાર્બન
ડાયૉક્સાઇડનું પ્રાકૃતિક શોષણ વધારવું, વસ્તી-નિયંત્રણ તથા કાર્બનને અલગ કરીને તેનો સંગ્રહ
કરવો વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક પર્યાવરણવાદી ગ્લોબલ વૉર્મિંગ સામે વ્યક્તિગત
પ્રયાસોની હિમાયત કરે છે, જેમાં ઉપભોક્તાને માથે જવાબદારી આવે છે.

આબોહવાના પરિવર્તનને ખાળવા માટે તૈયાર કરવામાં આવેલો ‘ક્યોટો પ્રોટોકૉલ’ (Kyoto
Protocol) દુ નિયાનો મુખ્ય આંતરરાષ્ટ્રીય કરાર છે, જે 1997 માં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન
ઑન ક્લાઇમેટ ચેન્જ(UNFCC)ના સુધારાના રૂપમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે દેશની સરકાર
આ પ્રોટોકૉલ અંગે સંમતિ આપે તેને કાર્બન ડાયૉક્સાઇડ અને અન્ય પાંચ ગ્રીનહાઉસ વાયુઓનું
ઉત્સર્જન ઘટાડવાની ફરજ પડશે. જો ઉત્સર્જન એટલું જ રાખશે અથવા એ વાયુઓનું ઉત્સર્જન
વધારશે તો તે દેશને ‘ઉત્સર્જનનો વેપાર’ (emission trading) કરવો પડશે.

વૈજ્ઞાનિક સર્વસંમતિ તથા આર્થિક લાભ – એ બંને કારણોથી પ્રેરાઈને 150 થી વધારે દેશોની સરકારે
ક્યોટો પ્રોટોકૉલને માન્યતા આપી હતી; તેમ છતાં, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઑસ્ટ્રેલિયા
ક્યોટો પ્રોટોકૉલની બહાર રહ્યા હતા. આ સાથે એક વિવાદ હંમેશાં રહ્યો છે કે ગ્રીનહાઉસ વાયુના
ઉત્સર્જનને કારણે પૃથ્વી કેટલી ગરમ થાય છે. અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશ તથા ઑસ્ટ્રેલિયાના
પ્રાઇમ મિનિસ્ટર જ્હૉન હૉવર્ડ તથા બજૉર્ન લૉમ્બર્ગ જેવા બુદ્ધિવાદીઓની દલીલ એ છે કે ગ્લોબલ
વૉર્મિંગને ઘટાડવાનો ખર્ચ એટલો બધો વધારે છે કે એ વાજબી નથી. આ સાથે એ પણ નોંધવું
જોઈએ કે સહુથી વધારે વસ્તી ધરાવતાં દુ નિયાનાં બે રાષ્ટ્રો ચીન અને ભારતને હજુ એ
પ્રોટોકૉલની બહાર રહેવાની છૂટ આપવામાં આવી હતી.

કેટલાક વ્યાપારી વર્તુળોએ ગ્લોબલ વૉર્મિંગ તથા એને માટે માનવ-સર્જિત કારણો જવાબદાર છે એ
વાતનો સ્વીકાર કર્યો છે તથા તેને માટે કાર્બન-ઉત્સર્જનનો વેપાર તથા કાર્બન-ટૅક્સ એ બંનેની
જરૂરિયાતનો પણ સ્વીકાર કર્યો છે.

વૈશ્વિક તાપમાન વધવાનું છે એવા નિષ્કર્ષને માન્ય રાખીને એની અસરો સામે અનુકૂળતા કેળવવા
તથા અનિચ્છનીય અસરોને અટકાવવા અથવા ઓછી કરવા અંગેની વ્યૂહરચના ઉપર ભાર
મૂકવાનું સૂચવવામાં આવ્યું છે; દા. ત., ઊંચી વધતી સમુદ્રની સપાટી સામે સંરક્ષણ ઉપાયો કરવા
તથા ખોરાકની સુરક્ષા અંગે વિચારવું.

આબોહવાનાં મૉડલ (climate models) : વિજ્ઞાનીઓએ ગ્લોબલ વૉર્મિંગના અભ્યાસ માટે


આબોહવાનાં જુદાં જુદાં મૉડલ દ્વારા કમ્પ્યૂટર-આધારિત ગુણતરીઓ કરી છે. આ મૉડલમાં
આબોહવા-વિજ્ઞાનના મૂળભૂત ગણિતનાં જટિલ સમીકરણો દ્વારા મોટા કમ્પ્યૂટરની મદદથી
ગણતરીઓ કરવામાં આવે છે. જે મૉડલ આબોહવાનાં પ્રસ્થાપિત પરિવર્તનો(દા. ત., ઋતુઓ અલ
નીનો વગેરે)નું યથાર્થ નિરૂપણ કરી શકે એ મૉડલ સ્વીકારવામાં આવે છે. આ રીતે પસંદ કરેલાં
બધાં મૉડલ ગ્રીનહાઉસ વાયુની વૃદ્ધિને કારણે ભવિષ્યની આબોહવા વધારે ગરમ રહેશે એ જાતનાં
પરિણામો બતાવે છે. જોકે ગરમી કેટલા પ્રમાણમાં વધશે એ અંગેની અનિશ્ચિતતા (uncertainty)
દરેક મૉડલમાં અલગ અલગ હોય છે. આનું એક મુખ્ય કારણ એ છે કે દરેક મૉડલમાં વાદળાંની
ભૌતિક અસર જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત, વાતાવરણનાં જુદાં જુદાં પરિબળો
વચ્ચેની પારસ્પરિક અસરો, ગણિતની દૃષ્ટિએ અરૈ ખિક (non-linear) પ્રકારની હોય છે. આથી
ભવિષ્યની આબોહવાની ચોક્કસ આગાહી શક્ય નથી હોતી; પરંતુ એવી આગાહી ફક્ત સંભાવનાના
રૂપમાં (probability distribution) જ શક્ય બને છે. IPCC દ્વારા ઉપયોગમાં લેવાતા મૉડલમાં વર્ષ
1900–2100 દરમિયાન તાપમાનની વૃદ્ધિ 1.4° સે.થી 5.8° સે. વચ્ચે રહેશે એવું પરિણામ મળ્યું છે.
વર્ષ 1910–1945 દરમિયાન તાપમાનનો વધારો પ્રાકૃતિક કારણોને લીધે છે, તે મૉડલ દ્વારા કહેવું
મુશ્કેલ છે, પણ વર્ષ 1975 પછીના તાપમાનની વૃદ્ધિ મહદ્ -અંશે માનવસર્જિત ગ્રીનહાઉસ વાયુના
ઉત્સર્જનને કારણે થઈ હોય એવું લાગે છે.

અત્યારે વપરાતા મૉડલમાં જે અનિશ્ચિતતા છે તે મુખ્યત્વે વાદળાંની અસરને લીધે થતી હશે એમ
માનવામાં આવે છે. આ ઉપરાંત, એવું પણ માનવામાં આવે છે કે આ મૉડલમાં સૌર પરિવર્તનો
અંગેનાં પરિબળોની અસર ધ્યાનમાં લેવામાં આવતી નથી. દરેક મૉડલના ઉપયોગમાં કમ્પ્યૂટર-
શક્તિ (power) એક મર્યાદારૂપ હોય છે, આથી નાના માપક્રમની પ્રક્રિયાઓ (small-scale
processes) દ્વારા હવામાન ઉપર થતી અસરો (હવામાનનાં તોફાન, વાવાઝોડાં – hurricanes)
ધ્યાનમાં લઈ શકાતી નથી. આ અને અન્ય મર્યાદાઓ હોવા છતાં IPCC માને છે કે ભવિષ્યની
આબોહવા અંગે ઉપયોગી આગાહીઓ મેળવવા માટે આ મૉડલ યોગ્ય સાધન છે.

છેલ્લે એક અગત્યનો મુદ્દો એ છે કે વાતાવરણના રજકણો દ્વારા સૂર્યના પ્રકાશનું પરાવર્તન, અત્યાર
સુધી માનવામાં આવતું હતું તેના કરતાં લગભગ બમણું હોય છે અને એને લીધે ગ્લોબલ વૉર્મિંગની
અસરમાં થોડો ઘટાડો થાય છે.
પરંતપ પાઠક

You might also like